અમદાવાદના નિકોલમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. વેપારી સાથે કામ કરતાં કારીગરે જ પીઠમાં છરો ભોક્યો હોય એમ પોતાના માલિકના 1 કરોડ 25 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો છે. કરીગર દાગીના સહિત એક્ટીવા લઇ ફરાર થયો છે. આ બનાવ બાદ વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરોડોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદ માણેક ચોક વિસ્તારમાં આવેલી M H જ્વેલર્સ નામની દુકાનના માલિક મુકેશભાઈ અને કારીગર આનંદસિંહ 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના સોનીઓની દુકાને બતાવવા નીકળ્યાં હતાં.
ત્યારે રસ્તામાં વેપારી મુકેશભાઈ નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી સોનાની ભાળ કારીગરને સોંપી મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં જઈ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.
વેપારીએ ફરિયાદમાં કહ્યું હતું કે, સોનાના દાગીના ભરેલી બેગ લઈ કારીગર ફરાર થઇ ગયો છે. સાથે જ એકટીવા પણ ચોરી ગયો છે. વેપારીની ફરિયાદ અનુસાર, કારીગર એક્ટીવા સહિત 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયો છે. આ કારીગર મૂળ રાજસ્થાનનો છે. જે વેપારીના ત્યાં કામ કરતો હતો. મૂળ રાજસ્થાનના કારીગર આનંદ રાજપૂત અને આનંદને નોકરી રખાવનાર ગણેશ ઘાંચી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સોનાના દાગીનાની કિંમત 1.25 કરોડ રૂપિયા જેટલી થાય છે.
પોલીસે ફરિયાદના આધારે આરોપી કારીગર અને તેના સાગરીતને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Article Categories:
News