દેશની તમામ એરલાઇન્સ કંપનીઓ આગામી 18 ઓક્ટોબરથી વિમાનની ક્ષમતાના પ્રતિબંધ વિના દેશના તમામ શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાડી શકશે એમ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ મુસાફરીની લોકોમાં વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને મંગળવારે જાહેરાત કરી હતી.
દેશની તમામ એરલાઇન્સ કંપનીઓ ગત 18 સપ્ટેમ્બર થી વિમાનની 85 ટકા ક્ષમતા સાથે તેઓની ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન કરી રહી હતી જે તેઓની કોવિડ પહેલાની ક્ષમતા હતી એમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં આદેશમાં કહેવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે આ કંપનીઓના વિમાનોએ 72.5 ટકાની ક્ષમતા સાથે વિમાનો ઉડ્ડાડયા હતા.
5 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે તેઓની ક્ષમતા 65 ટકા હતી અને 1 જૂનથી 5 જુલાઇ વચ્ચે આ કંપનીઓએ 50 ટકા ક્ષમતા સાથે પોતાના વિમાનોનું સંચાલન કર્યું હતું. 9 ઓક્ટોબરના રોજ દેશની તમામ એરલાઇન્સ કંપનીઓએ સંયુક્ત રીતે 2340 ડોમેસ્ટિક ફ્લાઇટોનું ઉડ્ડયન કર્યું હતું અને તેઓની કોવિડ પહેલાની કુલ ક્ષમતાના 71.5 ટકા જેટલી ક્ષમતા સાથે આ ફ્લાઇડો ઉડાડી હતી.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે આથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 18 ઓક્ટોબરથી દેશની તમામ એરલાઇન્સ કંપનીઓના શિડયુલ્ડ એર ઓપરેશનને કોઇ પણ જાતની ક્ષમતાની મર્યાદા વિના સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવે.
આ આદેશમાં એ વાતની સ્પષ્ટ નોંધ લેવામાં આવી હતી કે મુસાફરોની વધેલી માંગ અને શિડયુલ્ડ ડોમેસ્ટિક ઓપરેશનની હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે સરકારે બે મહિનાના બ્રેક બાદ ગત વર્ષે 25 મે થી ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ કરવાની મંજૂરી આપી ત્યારે સરકારના ઉડ્ડયન મંત્રાલયે તેઓને 33 ટકા ક્ષમતા સાથે જ વિમાનોનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.
જો કે ડિસેમ્બર-2020 સુધીમાં સરકારે તેઓની ક્ષમતા વધારીને 80 ટકા સુધી કરી નાંખી હતી અને આ વર્ષે 1 જૂન સુધી આ કંપનીઓે 80 ટકા ક્ષમતા સાથે પોતાની ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન કરી રહી છે.
આ વર્ષે માર્ચ-એપ્રિલમાં કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો જેના પગલે સરકારે એરલાઇન્સ કંપનીઓની 80 ટકા ક્ષમતાને ઘટાડીને 50 ટકા કરી દીધી હતી, કેમ કે તે સમયે મુસાફરોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં ઘટી ગઇ હતી.
