ભાષા સંસ્કારોની જુઓ અહી પહેરવેશમાં મપાય, પછી હોય હૃદય ચોખ્ખા, તોય કદર ક્યાંથી થાય….

Written by
ભાષા સંસ્કૃતિ

આજનું આ દ્રશ્ય જોઈ ને હું અવાક થઇ ગઈ. શું આ એ જ કાવ્યા હતી જેને હું આટલા સમયથી ઓળખું છું? આટલા સમયથી જે આ ઘરમાં જ રહે છે, પણ મારાથી એક અંતર જાળવીને, કે પછી એ છેટાપણું મેં જ સર્જ્યું હતું!!

મને યાદ છે એ દિવસ જયારે પાર્થ સાથે લગ્નના મંડપમાં કાવ્યા એની બાજુમાં બેઠી હતી. હું જોતી જ રહી ગઈ હતી એને, જાણે કે સાક્ષાત રૂપની રાણી જ આવી ગઈ હોય. કદાચ એટલે જ પાર્થ ને પોતાની સાથે ભણતી આ છોકરી પર એવું દિલ આવી ગયું હતું કે કોઈ બીજું પછીથી ગમ્યું જ નહિ. મેં અને વત્સલ એય એની ખુશીને સહર્ષ સ્વીકારી લીધી અને એટલે જ “વર મા” તરીકે મારો હરખ કશે સમાતો નહોતો પણ…

 “વીણા, આ કાવ્યા જરાક વધારે પડતી મોર્ડન નથી?” મોટા બહેને કાનમાં જરાક પંચાતી ફૂંક મારી ને મેં મંડપમાં બેઠેલી કાવ્યાને ધ્યાનથી જોઈ. કાવ્યાના બિન્દાસ સ્વભાવનો પરિચય તો મને હતો જ. જયારે પણ ઘરે આવતી ત્યારે જીન્સ અને ટી-શર્ટ માં જ હોય. ક્યારેક તો શોર્ટ્સ પહેરી ને જ ઘરે આવી ચઢે. એની નાજુક રૂપાળી ગરદન પર ડ્રેગન નું ટેટૂ હતું અને એ બતાવ્યા કરવું એને ગમતું. વત્સલ સાથે પણ એક જ સોફા પર બેસી ને વાતોએ વળગે ત્યારે પણ મને ઘણું અજીબ લાગતું, જાણે કે સસરા-વહુ વચ્ચેની મર્યાદાની એને ખબર જ ના હોય. બહુ બોલે ને મન ને ગમે તે જ કરે. રસોઈમાં માત્ર પાસ્તા બનાવતા આવડતું ને એય એણે એકવાર બનાવેલા પણ ખરા, પણ મને પસંદ ન હોવાથી પછી થી મેં એને કશું બનાવવા કહ્યું જ નહી.

લગ્ન નાં એ દિવસે ય એ પ્રમાણમાં મોર્ડન કહી શકાય એવા બેકલેસ ચોલીમાં તૈયાર થઇ હતી. કુટુંબનાં સભ્યો વચ્ચેનો ગણગણાટ મારા કાનો સુધી એમ તો ક્યારનો પહોચી ગયો હતો કેમ કે કોઈએ આટલી ખીલેલી, બિન્દાસ અને પોતાના જ લગ્નમાં પોતાના થનાર પતિ સાથે સતત બોલ્યા કરતી “વધુ” જોઈ ન હતી. એ દિવસે જ મારા મનમાં લીબુની ખટાસ જેવી કંઈક લાગણી જન્મી હોવાનો આભાસ મને થઇ રહ્યો હતો.

લગ્ન પછી પણ ક્યારેય એણે રસોઈ શીખવાની કે ઘરનાં કામો કરવાની તસ્દી લીધી નહોતી. જયારે કોઈ શાક ના ભાવે ત્યારે બિન્દાસ મોં પર કહી દેતી અને મોડેકથી પિઝ્ઝા ઘરે મંગાવતી. આ બધું મને ખૂંચવા લાગ્યું. પાર્થ અને એ બંને આર્કિટેક્ટ હતાં, પણ એનામાં કાબેલિયત વધુ હશે કે કેમ પણ એ વધુ કમાતી અને નાની ઉમરમાં તો શહેરમાં એના કામ માટે ફેમસ થઇ ગયેલી. લગ્ન પહેલા જ એણે પોતાના બેડરૂમને નવી ડીઝાઈનથી સજાવીને એક નવો જ ઓપ આપી દીધો હતો- પતંગિયા ની થીમ વાળો, જાણે કે સાચા પતંગિયા રૂમમાં ઉડાઉડ કરી રહ્યા હોય એટલો સરસ રૂમ લાગતો હતો. ત્યારે મને એની આવડત પર ગર્વ થઇ આવેલો. પણ ઘરમાં આવ્યા બાદ ડગલે ને પગલે નજરે ચઢતી એની ભૂલો ધીરે ધીરે એ ગર્વ ને ઓગાળતી જતી હતી. અમારી વચ્ચે એક વણકહેલી નારાજગીની દેખાય નહિ તેવી અદ્રશ્ય દીવાલ ઉભી થઇ ગઈ હતી, જેને બંનેમાંથી એક પણ એ પાર કરવાની પહેલ કે તસ્દી લીધી ન હતી. નારાજગી માત્ર આંખોથી જ જાહેર થાય એનું હું ખાસ ધ્યાન રાખતી, કેમ કે શબ્દોથી ઘા કરવાનું મારા સ્વભાવમાં જ નહોતું અને ઘરમાં કલેશ તો મને જરા પણ ના ગમે. આથી અમે બંને પોત-પોતાની સમજદારીના દાયરામાં રહી ને પોત-પોતાના કામમાં વ્યસ્ત રહેતા. આવા સમયે મને મારી દીકરી દિશા પર ગર્વ થઇ આવતો, કેટલી સમજદારીથી એણે પોતાના ઘર ને બહુ ઓછા સમયમાં સંભાળી લીધું હતું. અંતે એ હતી તો મારી જ દિકરી ને! મારા જેવી જ હોવાની.

પણ એક દિવસ મારા ગર્વના ટૂકડા કરી નાખે એવી એક ઘટના બની.

દિશા પોતાના સાસરીયે થી લડી-ઝઘડી ને ઘરે પાછી આવી, આવતા વેંત જ રડવાનું ચાલુ કર્યું અને એક જ રટ લગાવી કે હું ત્યાં પાછી નહિ જાવ, મને સાગર સાથે જરાય બનતું નથી. એ મા ઘેલો છે, ત્યાં કોઈ મને સમજતું નથી. આટલો સમય જેમ તેમ કાઢ્યો પણ હવે હું સહન નહિ કરું. હું આ સંબંધમાં નહી રહી શકું. આ બધું સાંભળી મારા પર જાણે કે એક અદ્રશ્ય આભ તૂટી પડ્યું. અમારામાંથી કોઈ એ રાતે સરખું સૂઈ ના શક્યું. એટલે જ બીજે દિવસે એના સાસુ-સસરા અને સાગર ને વાત કરવા માટે અમે ઘરે આવવા કહ્યું. એ લોકો આવ્યા ત્યારે ય દિશા સરખી વાત કરવા તૈયાર ન હતી. જો કે એના સાસુ- સસરા અને સાગરના ચહેરા નો રંગ પણ ઉડી ગયેલો અભાસ જણાતો હતો. સાગર અને દિશા વચ્ચે સમાધાનની ઘણી કોશિશો ચાલી પણ બધું વ્યર્થ. સાગર વધુ ગુસ્સે હતો કેમ કે દિશા એ એની સાસુનું અપમાન કરી ને ઘર છોડ્યું હતું, હું ને વત્સલ અંદરથી તૂટી રહ્યા હતા, ચૂપચાપ બેઠેલા પાર્થ અને કાવ્યા કદાચ અમારી આ મનોવ્યથા ને સમજી રહ્યા હતા. સાગર એ ગુસ્સામાં ઘણું સંભળાવ્યું અને એ પછી દિશા ની સાસુ એ પણ. છેલ્લી દલીલ પર મેં માફી માંગતા કહ્યું:

“નીતાબેન દિશાને છોકરું સમજી ને માફ કરી દો, કદાચ ગુસ્સામાં કૈક બોલી ગઈ હોય તમને, પણ તમારું અપમાન કરવાનો એનો ઈરાદો ના હોય ક્યારેય”.

“વીણા બેન, સંસ્કારોની કમી હોય ત્યારે જ આવું થાય, દીકરી હંમેશા એની મા પાસે થી જ શીખતી હોય છે. કદાચ તમે આપેલા સંસ્કારોમાં જ કોઈક ખોટ…” નીતાબેનની એ વાત પતે એ પહેલા જ એક ગર્જનાત્મક અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું.

“આંટી, બસ.” કાવ્યા પોતાની જગ્યાએથી ઉભી થઇ અને આંખોમાં ભયંકર ગુસ્સા સાથે બોલી પડી.

“તમે આટલું બોલ્યા તે બધું અમે સાંભળ્યું પણ મારી મમ્મી ની વિરુદ્ધમાં હું એક પણ શબ્દ નહિ સાંભળી લઉં. એમના સંસ્કારો સૌથી બેસ્ટ છે અને એટલે જ હું ગેરેન્ટી સાથે કહી શકું કે દિશાબેન ખોટું ના કરી શકે કેમ કે એ મમ્મીનો પડછાયો છે, ને મમ્મી ક્યારેય ખોટી હોઈ જ ના શકે.” હું આવક બની ને એને જોઈ જ રહી. મારા બબ્બે સંતાનો અહી બેઠા હોવા છતાં જેને મેં સંતાન માન્યું જ નથી એ આજે મારા માટે લડી રહી છે. દિલ જીતી લીધું જાણે એણે, આજે ખબર પડી કે એ મારી દિકરી તો ક્યારની બની ગયેલી, હું જ મા બનવાનું ભૂલી ગઈ હતી કદાચ.

“તો હવે તમે તમારા ઘરે જઈ શકો છો, જો દિશાબેન ની ઈચ્છા હશે અને તમે શાંતિથી વાત કરવાના હોવ તો જ બીજી વખત મળશું નહિ તો જય શ્રી ક્રિશ્ના.” દિશા ને એની ભાભી નું આ વર્તન ગમ્યું હતું, પાર્થ અને વત્સલ પણ ખૂશ હતા અને જો કોઈ સાતમાં આસમાને હતું તો એ હું હતી. આજે અમારા વચ્ચેની દીવાલ તૂટી પડી હતી, જે મેં મારા જ મનઘડત વિચારોથી બાંધી હતી.મર્યાદા અને સંસ્કારો ને મેં સાદા કપડા અને રિવાજો પૂરતા માર્યાદિત રાખી દીધા હતા. પણ આજે મારા વિચારો જાણે ખૂલી રહ્યા હતા. સંસ્કારોને કપડા કે બિન્દાસ સ્વભાવ સાથે કોઈ લેવાદેવા નથી હોતું, એ દિલમાં જળવાયેલા હોય અને જરૂર પડ્યે વર્તનમાં આવે તો જ સાચા.

રાત પડ્યે આજે સામેથી હું કાવ્યા નાં રૂમ પાસે ગઈ.

“કાવ્યા, હું આવું?”

“અરે મમ્મી આવો ને, કંઈ કામ હતું કે?” એ મને જોઈ ને ખુશ જણાતી હતી.

“હા, એ પૂછવું હતું કે કાલે તું પાસ્તા બનાવશે ને બધા માટે?”

“પાસ્તા? તમને ભાવશે મમ્મી?”

“અરે બહુ જ ભાવશે, ને હા હવે પિઝ્ઝા ઓર્ડર કરે તો મારા સાથે ય શેર કરજે હો…એકલી ના ખાઈ જતી. ચલ સુઈ જા. ગુડ નાઈટ”

આટલું સાંભળતા જ કદાચ એની આંખો છલકાવવાની તૈયારીમાં હતી અને હું એને વળગી પડી, કઈ મા થી પોતાની દીકરીનાં આંસુ જોવાય?? એટલે જ.

Article Categories:
News

Leave a Reply

Shares