દિવાળીના તહેવારો દરમિયાન રાતના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના માત્ર બે જ કલાક ફટાકડાં ફોડવાની છૂટ આપવામાં આવી છે

Written by

દિવાળીના તહેવારો દરમિયાન રાતના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના માત્ર બે જ કલાક ફટાકડાં ફોડવાની છૂટ આપવામાં આવી છે. અવાજ અને હવાનું પ્રદુષણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરદીઓ અને બાળકોની તન્દુરસ્તી પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગેનું એક જાહેરનામું બહાર પાડયું છે. ૩૦મી ઓક્ટોબરથી ૧૩મી નવેમ્બરના રાતના બાર વાગ્યે પૂરા થતાં ૧૫ દિવસ સુધી આ નિયમો લાગુ પાડવાની જાહેરાત કરી છે. આ સાથે જ ફટાકડાંના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ કે પછી એમોઝોન જેવી કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરતાં પ્લેટફોર્મને ફટાકડાંનું ઓનલાઈન વેચાણ કરવા સામે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાતના જુદાં જુદાં શહેરના પોલીસ કમિશનરો દ્વારા તેમના શહેરના લોકો માટે આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. 

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરના પરિસરમાં ફટાકડાં ફોડવા નહિ દેવાય

સુપ્રીમ કોર્ટે ફડાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા બાબતે ૨૩મી ઓક્ટોબરે આપેલા આદેશને ધ્યાનમા ંલઈને અમદાવાદ અને ગુજરાત માટે આ માર્ગદર્શિકા તૈયાર કરીને જાહેર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામામાં ફડાકડાંની લૂમ ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેને કારણે હવા અને અવાજના પ્રદુષણ ઉપરાંત ઘનકચરાની સમસ્યા વકરતી હોવાથી લૂમ ફોડવા પર અને તેનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધ્વનિ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા પેસો સંસ્થાએ પ્રમાણિત કરેલા ફટાકડાં જ ફોડવાની છૂટ આપવામાં આવી છે.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધર્મસ્થાનકોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ફટાકડાં ફોડી શકાશે નહિ. આ ઝોનને પોલીસ કમિશનરે સાયલન્ટ ઝોન જાહેર કર્યા છે. આ વિસ્તારમાં કોઈપણ જાતના ફટાકડાં ફોડી શકાશે નહિ.  આ જ રીતે લોકોની સુવિધાને ધ્યાનમાં લઈને બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસ સ્ટોરેજ વિસ્તાર તથા અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામાં કે પછી હવાઈ મથકની પરિસરના વિસ્તારોમાં પણ ફટાકડાં ફોડી શકાશે નહિ. 

પેસો નામની ધ્વનિ પ્રદુષણે ધ્યાનમાં રાખીને અવાજનું પ્રદુષણ ઓછું કરતાં ફટાકડાંઓને માન્યતા આપતી સંસ્થાએ માન્ય કરેલા અને ૧૨૫થી ૧૪૫ ડેસિબલ અવાજ કરતાં ફટાકડાં જ ફોડી શકાશે. પેસો સંસ્થાએ માન્ય ન કર્યા હોય તેવા ફટાકડાં વેચી કે ફોડી શકાશે નહિ. અધિકૃત કે માન્ય ફટાકડાં પણ તેનું માર્કિંગ હોવું ફરજિયાત છે. ફટાકડાંના બોક્સ પર પેસોનું માર્કિંગ નહિ હોય તો તે ફટાકડાં વેચી કે ફોડી શકાશે નહિ. આ સંસ્થા ગ્રીન ફાયર ક્રેકર્સને જ માન્યતા આપે છે. તેનાથી અવાજનું પ્રદુષણ ઓછામાં ઓછું થાય છે.

વિદેશથી આયાત કરેલા ફટાકડાંના વેચાણ પર અને ફોડવા પર પણ પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકી દીધો છે. સ્કાય લેન્ટર્ન્સ એટલે કે ચાઈનીઝ તુક્કલ કે પછી આતશબાજી બલૂન પણ ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન્સ કે પછી તુક્કલ ફોડી શકાશે નહિ. ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ ફટાકડાંના ઓર્ડર પણ લઈ શકશે નહિ. તેમ જ ઓનલાઈન વેચાણ પણ કરી શકશે નહિ.એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઓનલાઈન વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થાઓ ફટાકડાંનું ઓનલાઈન વેચાણ કરી શકશે નહિ.

Article Tags:
·
Article Categories:
News

Comments are closed.

Shares