મહિપાલ મદેરણાનો જન્મ 5 માર્ચ, 1952ના રોજ જોધપુરના ફલોદી ખાતે થયો હતો. તેમણે રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમના સરકારી આવાસની બહાર ભીડ જામી છે. તેમના અંતિમ સંસ્કાર પૈતૃક ગામ ચાડી ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના અવસાનને લઈ શોક વ્યક્ત કર્યો છે.
મહિપાલ મદેરણા 20 વર્ષ સુધી જોધપુર જિલ્લા પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ 2 વખત ધારાસભ્ય પણ બન્યા હતા. બીજી વખત ધારાસભ્ય બન્યા બાદ તેમને અશોક ગેહલોતની સરકારમાં જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ ભંવરી દેવી હત્યાકાંડમાં નામ આવવાના કારણે તેમણે પદ છોડવું પડ્યું હતું.
સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તથા અનેક વર્ષો સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ થોડા સમય પહેલા તેમને કેન્સરની સારવાર માટે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને સારવાર માટે ચેન્નાઈ પણ લઈ જવામાં આવ્યા હતા. મદેરણાનો પરિવાર રાજકારણમાં સક્રિય છે. તેમના પત્ની લીલા મદેરણા જોધપુરના જિલ્લા પ્રમુખ છે. જ્યારે તેમની દીકરી દિવ્યા મદરેણા ઓસિયાં વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.