દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાનો આજે છેલ્લો રવિવાર હોવાથી અમદાવાદના વિવિધ બજારોમાં તહેવારોને લગતી ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં સહપરિવાર નીકળ્યા હતા.

Written by

દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાનો આજે છેલ્લો રવિવાર હોવાથી અમદાવાદના વિવિધ બજારોમાં તહેવારોને લગતી ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં સહપરિવાર નીકળ્યા હતા. પૂર્વ અમદાવાદના મોટા અને પ્રખ્યાત બજારો ઉપરાંત દરેક વિસ્તારમાં આવેલી નાના-મોટી દુકાનો, રોડ પર લાગેલા સ્ટોલોમાં પણ ખુબ જ ભીડ જોવા મળી હતી. ઢાલગરવાડ, ત્રણ દરવાજા, ખમાસા, રિલિફ રોડ, માણેકચોક, ભદ્ર પરિસર, ઓસ્ટોડિયા, દિલ્હી દરવાજા, બાપુનગર ભીડભંજન, કુબેરનગર, ઓઢવ રાજેન્દ્ર પાર્ક સહિતના વિસ્તારોમાં આવેલા બજારોમાં ભારે ખરીદી નીકળી હતી.

રવિવારની રજાનો આજે શહેરીજનોએ ખરીદી માટે ભરપુર લાભ લીધો હતો. દિવાળીના આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો વિવિધ બજારોમાં ઉમટી પડયા હતા. ગારમેન્ટ, શુઝ, બેલ્ટ, ચિલ્ડ્રન વેર, ફટાકડા, ઘરના શુસોભનની ચીજવસ્તુઓ, દીવા, કટલરી સ્ટોર્સ, મોબાઇલ સહિતની વિવિધ દુકાનોમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

ઇલેટ્રોનિક્સ બજાર, ફર્નિચર સહિતની દુકાનોમાં પણ લોકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. આજે રવિવાર હોવા છતાંય રિલિફ રોડ સહિતના વિવિધ બજારો દિવાળીની ખરીદીને લઇને ખુલ્લા રહ્યા હતા. ફુટપાથ પર પણ પાથરણા વાળાઓ, લારી વાળાઓને ત્યાં પણ તડાકો જોવા મળ્યો હતો. હાઇવે પર શહેરના મુખ્ય માર્ગો પર બુટના સ્ટોલ, ગારમેન્ટ્સના સ્ટોલ પર ભીડ દેખાઇ હતી. છેલ્લી ઘડીની ખરીદી હોવાથી ૪૦૦ના બુટ ૩૦૦ માં આપવામાં આવશે તે પ્રકારના એનાઉન્સમેન્ટ પણ વિવિધ સ્થળોએ જોવા મળ્યા હતા.
મીઠાઇ બજારમાં પણ પુરજોશમાં તૈયારીઓ જોવા મળી હતી. દિવાળી નિમિત્તો કારખાનાઓ, નાના મોટા ઉદ્યોગો, કોર્પોરેટ્સ હાઉસો દ્વારા તેમના કર્મચારીઓને દિવાળી નિમિતે મીઠાઇનું પેકેટ આપવામાં આવતું હોય છે તેના મોટા પ્રમાણમાં ઓર્ડર આજે આવ્યા હતા. ગુરૂવારે દિવાળી હોવાથી અત્યારથી ઓર્ડર આપવા પડતા હોઇ આજે વિવિધ સ્વીટ્સની દુકાનોમાં પણ લોકોની ભીડ દેખાઇ હતી.
પૂર્વ વિસ્તારમાં રવિવારે મોડે સુધી ખરીદી જોવા મળી હતી. વિવિધ બજારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયા હતા. દિવાળીની રોનક બજારનું દ્રશ્ય જોઇને જ છતું થતું હતું. ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં પણ ભીડ રહી હતી. છેલ્લી ઘડીની ખરીદી નીકળતા રવિવારે બજારમાં સામાન્ય દિવસો કરતા વધુ ભીડ જોવા મળતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટુ વ્હિલર , ફોર વ્હિલર પાર્ક કરવા મુશ્કેલ બન્યું હતું. લોકોએ રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિકજામ પણ થયો હતો.

Article Tags:
· ·
Article Categories:
News

Comments are closed.

Shares