પત્ની સાથે સબંધ હોવાનો વહેમ રાખીને પતિએ વર્ષ 2013માં સેક્ટર-21માં ધોળાકુવાના યુવકની છરીના ઘા મારી હત્યા કરી હતી. આ કેસમાં 8 વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ રાવળ (રહે, રાંધેજા, જોગણીમાતાના મંદિર પાસે) તેના ભાઇ સુનીલ સાથે 26 ઓગસ્ટ, 2013એ સેક્ટર 21ના અપના બજાર પાસે રીક્ષા લઇને આવ્યો હતો. તે સમયે સામેથી આવતી રીક્ષા રોકાવી હતી, જેમાં મહેન્દ્ર ગોકળભાઇ રાવળ (રહે. ધોળાકુવા)ને રીક્ષામાંથી બહાર કાઢી છરી કાઢી ધોળા દિવસે પેટમા ઘા કરી દીધા હતા.
જ્યારે તેના ભાઇ સુનીલે મહેન્દ્ર સાથે ખેંચતાણ કરી ચાંદીની લકી તથા રોકડા રૂપિયા પાડી દીધા હતા. આ બનાવમા મહેન્દ્રનુ સારવાર દરમિયાન હોસ્પિટલમા મોત થયુ હતુ. જ્યારે આરોપીને મહેન્દ્ર ઉપર એવો વહેમ હતો કે, તેની પત્નિ સાથે લફરુ ચાલી રહ્યુ છે અને તેના કારણે જ છરી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા નોંધાઇ હતી. ત્યારે 8 વર્ષ સુધી ગાંધીનગર સેસન્સ કોર્ટમા કેસ ચાલ્યા બાદ આજે ચૂકાદો આપવામા આવ્યો હતો.