અમદાવાદના જીવદયા પ્રેમી યુવાને ગાંધીનગર વાવોલમાં બે વિઘા જમીનમાં અબોલ જીવોની સેવા કરવા માટે શેલ્ટર હોમ વિકસાવ્યું, મહિને થાય છે સવા લાખનો ખર્ચ

Written by

અમદાવાદના રાજ બોથરા નામના એક જૈન યુવાને પોતાના ગુરુ જિનમણિપ્રભસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને ગાંધીનગર ખાતે આશરે અઢી વિઘા જમીન ભાડે રાખીને કૂતરાં-બિલાડાં જેવા પ્રાણીઓ માટે એક સારવારની સુવિધા સાથેનું ‘આશ્રય ઘર’ બનાવ્યું છે. ત્યારે ગૌધન સહિતના અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે એડવાન્સ ટેકનોલોજીની મશીનરી સાથેની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરવાની મહેચ્છા સાથે દર મહિને અબોલ જીવોની સારવાર પાછળ સવા લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના બિસાલા ગામના મૂળ વતની એવા રાજકુમાર બોથરા છેલ્લાં વીસેક વર્ષથી અમદાવાદના શાહીબાગ ખાતે હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ અને હોલસેલના પોતાના પારિવારિક વ્યવસાય સાથે સ્થાયી થયા છે. રાજ બોથરા નાનપણથી જ ધર્મે જૈન હોવાથી અહિંસા અને જીવદયામા વિશ્વાસ ધરાવે છે. તેઓ મુનિ જિનમણિપ્રભસુરીશ્વર મહારાજથી પ્રભાવિત હતા અને નિયમિત તેમનાં પ્રવચન સાંભળવા જતા હતા. મુનિસાહેબના ઉપદેશના પ્રભાવ હેઠળ જ તેઓ પાંચેક વર્ષ પૂર્વે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાતા કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને બચાવવાના રેસ્ક્યુ કાર્યમાં જોડાયાં હતાં.
રેસ્ક્યુ કાર્ય દરમિયાન તેમને પોતાના જેવા અન્ય જીવદયા પ્રેમી મિત્રો મળ્યા જેના કારણે તેઓ બાકીના સમયમાં પણ ક્યાંક અકસ્માતે કે અન્ય રીતે ઇજાગ્રસ્ત કે ફસાયેલાં અબોલ પ્રાણી-પંખીઓના રેસ્ક્યુ કાર્ય નિયમિત રીતે કરવા લાગ્યાં હતાં અને આ સેવા કાર્યમાં પોતાના ખિસ્સામાંથી સારી એવી રકમ ખર્ચતા હતાં. ધીરે ધીરે તેમનું રેસ્ક્યુ કાર્ય વધતું ગયું હતું અને આ કાર્ય કરતા તેમના મિત્રોની સંખ્યામાં પણ વધારો થયો હતો. હવે આ બચાવકાર્ય માટે તેમણે પોતાના જીપ જેવા એક વાહનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું જે બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ઉપયોગમાં લેતાં હતા.
આ પછી તેમણે બિમાર કે ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે પોતાના ખર્ચે એક વેટરનરી ડોક્ટર પગારથી નોકરીએ રાખી દીધાં હતાં. તેમના સેવાકાર્યમાં સોશિયલ મીડિયા થકી જોડાયેલા અનેક સેવાભાવી મિત્રો ઉપરાંત દિનેશ પટ્ટણી નામના એક વડીલ રિક્ષાચાલકની ખૂબ જ મદદ પ્રાપ્ત થવા લાગી હતી. સતત અબોલ પ્રાણીઓના રેસ્ક્યું શિક્ષણકાર્યમાં જોડાયા બાદ તેમણે અનુભવ્યું કે આ ક્ષેત્રે પણ કેટલીક સંસ્થાઓ અને સ્વયંસેવકો તેમની સેવાનો દુરુપયોગ કરે છે અને પોતાના લાભ માટે ખોટું કરતા અચકાતા નથી.
પોતાના આ રેસ્ક્યુ કાર્ય દરમિયાન તેમણે આશરે બે વર્ષ પહેલાં આવેલા એક જબરજસ્ત વાવાઝોડાંમાં અમદાવાદના એલિસબ્રિજ નજીકના વિસ્તારમાં પડી ગયેલા એક મસમોટા ઝાડ નીચે ફસાયેલી 33 સમડીઓને ભારે જહેમત સાથે બચાવી હતી. આ ઉપરાંત અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક ઈમારતના બંધ કરી દેવાયેલા ભોયરામાં પાર્કિંગ પ્લેસમાં જ્યાં સમગ્ર સ્થળ પર કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય હતું અને અંદર સુધી જવાનો કોઈ રસ્તો નહોતો તેવી જગ્યાએ ફસાયેલાં કૂતરાના બે ગલુડિયાંને જાતે અંદર જઈને બચાવ્યાં હતાં. એકવાર અડધી રાત્રે મળેલા કોલ અનુસાર નળ સરોવર પાસે આશરે 110 ઘેટાંઓને કોઈ અજાણ્યો રોગ લાગુ પડી ગયો હતો જેને બચાવવા પોતાના ડોક્ટર સાથે રાત્રે એક વાગે સ્થળ પર ધસી ગયા હતા અને સવારે પાંચ વાગ્યા સુધી ઘેટાંઓની સારવાર કરી હતી.
આ મિત્રોની મદદથી તેમણે ગાંધીનગરના વાવોલ-કોલવડા માર્ગ પર આશરે બે વીઘા જમીનમાં પાંચ વર્ષના ભાડા પટ્ટે રાખી મા એનિમલ ફાઉન્ડેશનનું શેલ્ટર હોમ શરૂ કર્યું છે. જોતજોતામાં આ શેલ્ટર હોમમાં કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓની સારવાર માટે સંખ્યા વધવા લાગી છે અને હજુ તો માંડ છ મહિના પણ થયાં નથીને આ શેલ્ટર હોમમાં લકવાગ્રસ્ત‍, આંધળા, બહેરાં, ઈજાગ્રસ્ત, અનાથ તથા સાજા 9 મળીને કુલ 80થી વધુ કૂતરા-બિલાડા સારવાર સાથે આશ્રય લઈ રહ્યાં છે.

આ પ્રાણીઓને સવારે દૂધ રોટલી, બપોરે ખીચડી છાસ સાથે શીરો, સાંજે રોટલી દૂધ, મકાઈ- બાજરીના રોટલા અને તહેવારના દિવસે લાડવા-શિરો જેવું ભોજન જમાડવામાં આવે છે. આ શેલ્ટર હોમ ચલાવવા માટે તેમને ડોક્ટર કમ્પાઉન્ડરનો પગાર, ભોજન દવાઓ તથા અન્ય કર્મચારીઓ અને લાઈટ બિલ ઉપરાંત જગ્યાના ભાડા સહિત અંદાજે મહિને સવા લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે માટે તેઓ પોતાના યોગદાન ઉપરાંત દાતાઓ પર જ નિર્ભર રહે છે.

રાજુભાઈ માં એનિમલ ફાઉન્ડેશન વાળા તરીકે ગાંધીનગરમાં જાણીતા રાજ બોથરાનું લક્ષ્ય ગૌધન સહિતના અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે એડવાન્સ ટેકનોલોજીની મશીનરી સાથેની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરવાનનું છે આ માટે તેમણે પોતાની ફેવરિટ ખાસ અને સોનાના દાગીના પહેરવાની બાધા પણ લીધી છે.

Article Categories:
News

Comments are closed.

Shares