રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાંય ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષામાં રાજ્યભરના લાખો યુવાઓ તૈયારી કરી રહ્યા છે.

Written by

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાંય ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષામાં રાજ્યભરના લાખો યુવાઓ તૈયારી કરી રહ્યા છે. એમાં પણ ગાંધીનગરના કોલવડા ગામમાં એક નિવૃત્ત પોલીસ-ઈન્સ્પેક્ટરે યુવક-યુવતીઓ સફળ નીવડે એ માટે અનોખો સેવા ધોધ વહેતો કર્યો છે. ગુજરાત પોલીસના નિવૃત્ત પીઆઈએ મહેન્દ્રસિંહ વાઘેલા વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ઇન્ડોર-આઉટડોર એમ બંને પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ માટે તેમણે ગામના પાદરમાં ફિઝિકલ ટ્રેનિંગ માટે 1610 મીટરનું વિશાળ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યું છે.

ગાંધીનગરના કોલવડા ગામના વતની મહેન્દ્રસિંહ વાઘેલા મહેસાણાના વીસનગર સિટી પોલીસ મથકમાંથી પીઆઈ તરીકે વર્ષ 2016માં નિવૃત્ત થયા હતા. પોલીસ-ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા હોવાથી મહેન્દ્રસિંહ વાઘેલા કાયદાની કલમોથી વાકેફ હોય એ સ્વાભાવિક છે. જોકે નિવૃત્તિ પછી પણ પોતાનું કાયદાનું જ્ઞાન અન્ય લોકોને મદદરૂપ થઈ શકે એ માટે પોલીસ ભરતીમાં નવા આવેલા લોકરક્ષકોને કાયદાની પાયાની તાલીમ આપવા માટે લેક્ચરર તરીકે વર્ષ-2017માં ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આઠ માસના કરારથી નવી ઇનિંગ શરૂ કરી હતી.

પોતાના ગામના લોકો સાથે ચર્ચા કરતાં મહેન્દ્રસિંહને જાણવા મળ્યું કે દીકરીઓને પોલીસ ખાતામાં નહીં મોકલવાની ગેરમાન્યતા ઘર કરી ગઈ હતી. આને પગલે તેમણે લોકોને સમજ આપી પોલીસ ખાતામાં દીકરા-દીકરીઓને મોકલવા ઊંડાણપૂર્વકની સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જોકે તેમનો આ પ્રયાસ સફળ નીવડી શક્યો નહોતો, જેને કારણે તેઓ અત્યંત દુઃખી થઈ ગયા હતા. મહેન્દ્રસિંહે ગામનાં છોકરા-છોકરીઓ પોલીસ ખાતામાં જોડાય એ માટે સતત પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા. એક દિવસ તેઓ કોલવડા ગામમાં આવેલી કે.કે પટેલ હાઈસ્કૂલનાં આચાર્ય ભાવનાબેન વાઘેલાને મળ્યાં હતાં અને છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ-12 પાસ થયેલા ગામનાં છોકરા-છોકરીઓનાં લિસ્ટ મેળવી લીધાં હતાં. સ્કૂલમાંથી લિસ્ટ મેળવવાનું એક જ કારણ કે કોલવડા ગામની વસતિ અંદાજિત દસ હજારથી ઉપરની છે. આટલી બધી વસતિમાંથી ધોરણ-12 પાસ થયેલા ઉમેદવાર શોધવા ઘણા મુશ્કેલીજનક હતા, એટલે જ તેમણે સ્કૂલમાંથી લિસ્ટ મેળવી લીધું હતું.

આ બાદ મહેન્દ્રસિંહે લિસ્ટ મુજબ દરેક જ્ઞાતિનાં છોકરા-છોકરીઓનાં ઘરે જઈને તેમના વાલીઓને પોલીસ ખાતાની નોકરી તેમજ સમાજમાં વહેતી થયેલી ભ્રામક બાબતોથી અવગત કરાવીને સમજણ આપી જાગ્રત કરવા લાગ્યા હતા, જેનાં ફળ સ્તુતિ સ્વરૂપ શરૂઆતમાં 8 છોકરા-છોકરી તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે તૈયાર થઈ ગયાં હતાં. હવે વિદ્યાર્થીઓ તો મળી ગયા, પણ વિદ્યા આપવા માટે ક્લાસનું નામકરણ કરવું પણ જરૂરી હતું. એટલે તેમણે ગામના નામે જ “કોલવડા યુવા ઉન્નતિ ક્લાસીસ” નામની સંસ્થાની સ્થાપના કરી ઈન્ડોર ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી.

કોલવડા ગામે લાલઘર મંદિરની બાજુમાં લેક્ચર લેવાની શરૂઆત થઈ અને દરરોજ બે કલાકનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું. પ્રારંભિક શરૂઆતમાં ગામના મોભી નંદાભાઈ ચૌહાણ તરફથી આર્થિક સહયોગ પણ મહેન્દ્રસિંહને મળ્યો હતો, પણ હજી ગામનાં 8 જ છોકરા-છોકરીઓ નિઃશુલ્ક ટ્રેનિંગ માટે આવતાં હતાં. આ સંખ્યા વધારવા માટે ફરી મહેંદ્રસિંહે નવતર પ્રયોગ અજમાવ્યો હતો. જે અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈપણ સરકારી જાહેરાત બહાર પડે એટલે એની વિગતવાર માહિતી સાથેનું બોર્ડ ગામના ચોકમાં લગાવવાની શરૂઆત કરી દીધી, જેથી કરીને ગ્રામજનોની નજર એ બોર્ડ પર પડતી હતી. એના ફળ સ્વરૂપ હાલમાં “કોલવડા યુવા ઉન્નતિ ક્લાસીસ”માં સંખ્યા વધીને 90 સુધી પહોંચી ચૂકી છે, જેમાં 45 છોકરા અને 45 છોકરી નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ મેળવી રહ્યાં છે.

Article Categories:
News

Comments are closed.

Shares