ઓઢવ વોર્ડમાં તૂટેલા રોડના કારણે હજારો રહીશો પરેશાન

Written by

ઓઢવ ફાયર સ્ટેશનની બાજુમાંથી પસાર થતી ખારીકટ કેનાલ કે જે વિરાટનગર તરફ વળે છે ત્યાં રસ્તો તૂટેલો હોવાથી વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. કંપનીઓના કર્મચારીઓ, સ્થાનિક રહીશો માટે ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ બની ગયું છે.

આ અંગે સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક વર્ષથી આ રોડ બન્યો નથી. આ રોડ સંપૂર્ણપણે ધૂળિયો બની ગયો છે. જય કેમિકલ સામેના રોડની આ સ્થિતિ હોવાથી વાહનચાલકો પરેશાન છે.

ઓઢવમાં અંબિકાનગરમાં લગભગ તમામ રોડ તૂટેલી હાલતમાં છે. હાથી સર્કલ પાસે ભૂવો પડયો હોવાથી ત્યાં ખોદકામના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી બાજુ વિરાટનગરથી રિંગરોડ પામ હોટલ સુધીનો આશરે બે કિ.મી.નો રોડ પર બિસ્માર હાલતમાં હોવાથી આ રોડના હજારો વાહનચાલકો પણ પરેશાની ભોગવી રહ્યા છે.

ઉડતી ધૂળ, ખોદકામના કારણે તૂટેલા રોડ અને ટ્રાફિકજામ વગેરે આ રોડની દૈનિક સ્થિતિ છે. મ્યુનિ.તંત્ર દ્વારા રોડ મરામતમાં વેઠ ઉતારાઇ રહી છે. ઓખુ ચોમાસું પસાર થઇ ગયું, કાદવ-કિચડ અને પાણી ભરાવાની સમસ્યા તેમજ ગટરો ઉભરાવાની સમસ્યા લોકોએ વેઠી તેમ છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા લોકોની હાલાકી ઓછી થાય તેવા એકપણ પ્રયાસો કરાયા ન હોવાનું સ્થાનિક રહીશોનું માનવું છે.

Article Categories:
News

Comments are closed.

Shares